ભગવાન પણ સેટિંગ કરે છે!

હા, ભગવાન પણ સેટિંગ કરે છે! શું આ વાત તમે કે આપણે માનીશું? તેમના સેટિંગ આપણા મનુષ્ય કરતા ઘણા જૂદાં હોય છે અને જેમ આપણે કોઈ બીજાના સેટિંગ બગાડવામાં માહિર છીએ એમ ભગવાન પણ આપણા સેટિંગ બગાડવામાં પારંગત છે.જે વ્યક્તિ સાથે આપણને બેહદ ચાહત હોય અને એવું આપણે માનીએ છીએ કે તે વ્યક્તિ યોગ્ય છે પણ હકીકતમાં તેની ખરી યોગ્યતા ઈશ્વરને ખબર હોય છે અને એ એટલે જ તેને આપણાથી દૂર રાખે/કરે છે. ક્ષણિક તે વ્યક્તિનો વિરહ હોય પણ પછી તો એવું જ માનીએ છીએ કે 'જે થયું એ સારું જ થયું'!
ભગવાન જે કરે તે આપણા જ હિત માટે છે.


કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થવી, પછી તેની સાથે નિરંતર વાતો કરવી,તે વ્યક્તિનું ગમી જવું, પછી તેની સાથે પ્રેમ થયાની અનુભૂતિ થવી, પછી એકમેકના વિચારો સમાન મળતા આવવા,એકબીજાનો સ્વભાવ સરખો મળતો આવવો, એકબીજાના મનમેળની સાથે સાથે મતમેળ/મંતવ્યોનો પણ મેળ થવો.જ્યારે આવું થાય ત્યારે આ ઘટનાને આપણે શું કહીશું? આકસ્મિક ઘટના, સાહજિક પ્રસંગ કે યોગાનુયોગ બની ગયેલો બનાવ કે કહેશું ઈશ્વરનું સેટિંગ કે આપણા ગયા જન્મમાં કરેલા કર્મનું ફળ?જે ઈશ્વરમાં માનતા હશે એ આને કહેશે કે આ તેનું જ કોઈ સેટિંગ છે અને જે લોકો ઈશ્વરને નહિ માનતા હોય તેમના માટે આ ઘટના એટલે ગયા જન્મમાં કરેલા સારા કર્મોનું ફળ!

આખરે જે વ્યક્તિને આપણે ઓળખતા શુદ્ધા ન હોઈએ ઘણી વખત તેવા લોકો સાથે પણ ઘનિષ્ઠ સંબંધ બની જતા હોય છે અને આપણે આ વાત ઘણી જગ્યાએ અનુભવી હશે.જ્યારે આવું થાય છે ત્યારે આપણે તેને શું માનીશું ભગવાનનું સેટિંગ કે ઋણાનુબંધ? એ વાત નક્કી છે કે આ જગત ક્યાંક ને ક્યાંક ઋણાનુબંધ પર ટકેલું છે પણ લાખો લોકો આ વિશ્વમાં હોવા છતાં કેમ કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જ કેમ આપણી મુલાકાત થાય છે અને ક્યારેય એવું સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય એવા વ્યક્તિ સાથે મેળાપ પણ થાય છે અને પછી એની જ સાથે ઘરોબો કેળવાય જાય છે.તો આ બધું ઈશ્વરીય સેટિંગ નથી તો બીજું શું છે?

લાખ કોશિશ કર્યા બાદ પણ જો સફળતા હાંસલ ન થાય તો એ નિષ્ફળતામાં પણ એનું કંઈક સેટિંગ રહ્યું જ હશે.આપણે જેને માનતા હોઈએ કે હવે તો સફળતા નજીક જ છે અને ત્યાં જ કંઈક અડચણ આવી જાય અને ફરી એકવાર નિષ્ફળતા મળે તો એટલું જ માનવું કે ભગવાને આના કરતાં મોટી સફળતાની તૈયારી કરી છે અને એટલે જ આપણને વારેવારે નિષ્ફળ કરે છે જેથી આપણે તે મોટી સફળતા માટે વધુ મહેનત કરીએ અને તેના માટે સમર્થ બનીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે તળેટી જેટલી સફળતાની તૈયારી કરી રહ્યા હોઈએ જ્યારે ઈશ્વર આપણને સફળતાની ટોચે પહોંચાડવાની તૈયારી કરતા હોય.એટલે જ કોઈ મહાનુભાવે કહ્યું હશે એવું કે: કરતા હરતા તો ઈશ્વર છે,તેની આગળ ક્યાં કોઈનું કશું ચાલ્યું છે!

આ ભગવાનનું કેટલું મોટું સેટિંગ છે કે જ્યારે આપણી સાથે કંઈક અજૂગતું બનવાનું હોય ત્યારે કેટલા સંકેત આપે છે તે અને આપણે યોગાનુયોગ સમજી તેને અવગણી દ‌ઈએ છીએ અને એ ઘટના જ્યારે બની જાય છે ત્યારે યાદ આવે છે પેલા સંકેતો જે ઈશ્વરે આપણને આપ્યા હતા અને એમ પણ આપણે તેના સંકેતોને મહદઅંશે સમજી નથી શકતા કા તો સમજતા ઘણી વાર લાગે છે અને જ્યારે સમજાય છે ત્યારે એ ઘટના થઈ ચૂકી હોય છે.

સમાપન/ઉપસંહાર: કોઈ વ્યક્તિ સાથે દોસ્તીથી શરૂ થયેેલો સંબંધ પ્રેેેેમના મુકામ સુધી પહોંચે છે તો એમાં નક્કી ઈશ્વરની કંઈક ઈચ્છા હશે.બાકી કોઈ સાથે પ્રેેમ થવો એ એટલું સહેલું તો નથી‌. જે  દોસ્તીમાં માત્ર દોસ્ત બની રહેવાના એંધાણ જણાતા હોય એ જ સંબંધ જ્યારે  પ્રેેમમા પરિવર્તિત થાય છે તો એ નક્કી ભગવાનનું સેટિંગ જ હશે!

© મૈત્રી બારભૈયા

Comments

Popular posts from this blog

મહત્વ આત્મનિરીક્ષણનું!