મહત્વ આત્મનિરીક્ષણનું!


INTROSPECTION! આ આમ તો અંગ્રેજી શબ્દ છે પણ આનો ગુુજરાતી અર્થ અદભૂત છે. Introspection એટલે આત્મનિરીક્ષણ- આત્માનું નિરીક્ષણ. આમ તો આ શબ્દ મનોવિજ્ઞાન નો છે પણ આનું આધ્યાત્મિક મહત્વ પણ ઓછું નથી જ! અત્યારના નવયુવાનો માટે  એક વિશેષણ બહુું  પ્રચલિત છે અને તે છે Wavering Mind-એટલે કે ડગુમગુ કે અસ્થિર મન.તેનુ  કારણ એ છે કે  તેમને આપણે આત્મનિરીક્ષણ ની ટેવ નથી પાડી કારણ કે આપણે પોતે પણ એ ટેવ  ક્યારેય કેળવી નથી  શક્યા.

આત્મનિરીક્ષણ નો ખ્યાલ ભલે આધુનિક હોય પણ શાસ્ત્રોમાં ધ્યાનનો મહિમા ઘણો રહેલો છે.ધ્યાનનો બીજો મતલબ એટલે આત્મનિરીક્ષણ. જેેેમ ધ્યાન આપણી અનુકૂળતાએ કરી શકાય એમ આત્મનિરીક્ષણ પણ આપણી અનુકૂળતા મુજબ કરી શકાય. સાચી દિશાનું આત્મનિરીક્ષણ પણ ધ્યાન જેવુું જ કામ કરે છે. આમ તો  આત્મનિરીક્ષણ આપણને સાચી દિશા ચીંધે છે. ધ્યાન કરવાથી જેેમ ખુુદનેે ઓળખી શકાય છે એમ આત્મનિરીક્ષણથી પોતાને પારખી શકાય છે.અત્યારે  જેમ આપણે ધ્યાનનુ મહત્વ ભૂલી રહ્યા છીએ પણ આ કોરોના સમયમાં ફરીવાર  ધ્યાન તરફ વળતા  થયા છીએ એમ જ આપણે બધાએ વહેલા  કે મોડા આત્મનિરીક્ષણ તરફ  જવુુંં પડશે અને તે ટેવ આપણામાં કેેળવવી પડશે અને સંતાનો નેે પણ આનુું મહત્વ સમજાવુું પડશે.બાકી જેમ  અત્યારની યુવા પેઢી Wavering Mindના  વિશેેષણ સાથે ફરે છે તેમ તેમનાં બાળકોને પણ આ જ  વિશેષણ સાથે ફરવું પડશે.એટલે જ હવે જરૂર છે Introspection (આત્મનિરીક્ષણની).

આપણે માતા-પિતા તરીકે આત્મનિરીક્ષણ ન કર્યું તો ચાલી ગયું પણ હવેની‌ પેઢી ને આની સખત જરૂર છે.આના વગર તેમને ચાલે એમ નથી.અત્યારની પરિસ્થિતિ એટલી વિકટ છે કે તેઓ આત્મનિરીક્ષણ નહિ કરે તો ઉદ્દેશ્યહીન આમ તેમ જીવનમાં ભટક્યા કરશે.પછી જ્યારે તેમને સાચો ઉદ્દેશ્ય મળશે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે અને તેમની પાસે કેવળ રહેશે નર્યો અફસોસ!

બાળકોને કે સંતાનોને શું જોઈએ છે તેમના જીવનમાં આ સવાલનો જવાબ કેવળ આત્મનિરીક્ષણથી જ સંભવ છે.બાકી જો આપણા કહેવાથી સંતાન તે દિશામાં જશે તો એ ક્યારેય ખુશ નહીં રહી શકે કારણ કે તેને ક્યારેય તે દિશા તરફ જવામાં રસ જ ન હોતો અને પછી તેની ઉર્જા કાયમ ખોટી જગ્યાએ વેડફાયા કરશે અને તેની Productivity( ઉત્પાદકતા) ઘટતી જશે.અહી Productivityનો મતલબ છે કે જીવનમાં કંઈક વધારે સારું કરવાની ક્ષમતા.

આત્મનિરીક્ષણના ફાયદાઓ:
૧) આત્મનિરીક્ષણથી વિચારોમાં એક રીતની સ્પષ્ટતા આવે છે.
૨) આત્મનિરીક્ષણથી ખુદના મનને, જીવનના ધ્યેયને સમજી કે ઓળખી શકાય છે.
૩) આત્મનિરીક્ષણ દૂરદર્શિતા ને આકાર આપે છે.
૪) આત્મનિરીક્ષણથી ખુદમાં રહેલી ખૂબીઓ અને ખામીઓને ઓળખી શકાય છે.
૫) આત્મનિરીક્ષણ નિયમિતપણે કરવાથી તે ખુશી પ્રદાન કરનારી તકનીક છે.આત્મનિરીક્ષણથી નિજાનંદ અવશ્ય પ્રાપ્ત થાય છે પણ એનો સતત અભ્યાસ (Practice) કરીએ તો જ!

બાળકોને તેમના બાળપણમાં અનેક વખત પૂછાયેલો સવાલ એ હોય છે કે તારે મોટા થઈને શું બનવું છે? ત્યારે તેને ખ્યાલ આવે છે કે મોટા થઈને કશુંક બનવાનું હોય છે પણ તે વખતે તેનામાં એટલી સમજણ નથી હોતી કે તે પોતાના જીવનનો ધ્યેય નક્કી કરી શકે.કેવી અજીબ વિટંબણા છે આપણી, વ્યવસાયિક રીતે આપણે બાળકને કંઈક બનવા વિશે પૂછીએ છીએ પણ તેને એવું નથી શીખવતા કે 'બેટા! મોટા થઈને તારે પ્રામાણિક માણસ બનવાનું છે'! આવું આપણે તેને એટલે નથી શીખવી શકતા કારણ કે હવે થોડેક અંશે ધીમે ધીમે આપણામાંથી પણ પ્રામાણિકતા ગાયબ થતી જાય છે.જ્યારે સંતાન ધ્યેયહિન હોય ત્યારે તેને માતા-પિતાના નિર્દેશાનુસાર જ ચાલવું પડતું હોય છે અને પછી જ્યારે એના સપના, તેને શું કરવું છે તે અંગેની સમજ આવે છે ત્યાં સુધીમાં થોડુંક મોડું થઈ ચૂક્યું હોય છે અને પછી મોટા ભાગના બાળકમાં એ કહેવાનું સાહસ નથી હોતું કે તે કહી શકે માતા-પિતાને કે મારે તમે ચીંધેલા રસ્તે ચાલીને વ્યવસાયિક સફળતા નથી જોઈતી.આવુ બધું થયા પછી શરૂ થાય છે યુદ્ધ સંતાનના મન અને મસ્તિષ્ક વચ્ચે કે મારે તો આ કરવું જોઈતું હતું, પણ માતા-પિતાએ કહ્યું એટલે મારે આમ કરવું પડ્યું અને પછી તેનું પરિણામ આવે છે અસ્થિર મન (Wavering Mind).

આપણે ત્યાં એવી માન્યતા છે કે ધોરણ ૯&૧૦ એ બાળકના જીવનનો મૂળ પાયો છે પણ હું એવું માનું છું કે જ્યારથી બાળકમાં સમજશક્તિ વિકસે ત્યારથી જ તેને આત્મનિરીક્ષણ તરફ વાળો જેથી એને નાની ઉંમરથી જ રસ-રૂચિ વિશે ખબર પડી જાય અને એને ક્યાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે તેનો પણ વ્યવસ્થિત ખ્યાલ આવી જાય અને એ સારી કાર્યક્ષમતાથી કામ કરી શકશે અને તેની સફળતાના યોગ (Chances) વધી જશે અને તેનામાં રહેલી ક્ષમતાનો સાચા અર્થમાં તે ઉપયોગ કરી શકશે અને તેને જોઈતું પરિણામ પ્રાપ્ત કરી શકશે.

આત્મનિરીક્ષણ એ કોઈ હવાઈ વિજ્ઞાન નથી.તેના માટે કોઈ ચોક્કસ સમય કે સ્થાનની પણ આવશ્યકતા નથી. આત્મનિરીક્ષણ એ કશું જ નથી પણ ખુદની સાથે વાત કરવાની એક તક છે,એક પ્રક્રિયા છે.રોજ‌ આત્મનિરીક્ષણ કરવાથી જીવનના ઘણા બધા પ્રશ્નો ઉકેલાય જાય છે.
© મૈત્રી બારભૈયા


Comments