રસ જિંદગીનાં!

જેમ નૃત્યમાં નવ રસનું મહત્વ છે એમ આપણા જીવનમાં પણ એવા રસ છે અને એનાથી વધારે રસ આપણા જીવનમાં છે.
નૃત્યના નવ રસો: ૧) હાસ્ય રસ
૨) ભયાનક રસ
૩) રૌદ્ર રસ
૪) કરૂણ રસ
૫) વીર રસ
૬) અદભૂત રસ
૭) બિભત્સ રસ
૮) શાંત રસ
૯) શ્રૃંગાર રસ

આપણા જીવનમાં આના કરતા બે રસ વધારે છે અને એ છે ૧) પ્રેમ રસ અને ૨) નફરત!

જ્યારે આપણા જીવનમાં કોઈ આવે છે અને પછી ચાલ્યા જવાનું થાય ત્યારે આપણા જીવનમાં કેટલાક રસ ઉત્પન્ન થતા હોય છે.જ્યારે આપણને પ્રેમ થાય છે ત્યારે પ્રેમ રસની સાથે બીજા રસનું પણ સર્જન થાય છે અને એ છે: શ્રૃંગાર રસ, હાસ્ય રસ, અદભૂત રસ અને શાંત રસ. જ્યારે ખુદથી કે બીજા કોઈ સાથે પ્રીત થતી હોય છે ત્યારે આપણને રોજ કરતા ખુદની જાતને વધારે શણગારીએ છીએ. દરેક ક્ષણે એવો વિચાર આવે છે કે આપણા પ્રિય પાત્રને ગમે એ રીતે ખુદને શણગારીએ. (શ્રૃંગાર રસ)

કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કરતા એટલો પ્રેમ અને મનમેળ થઈ ગયો હોય છે કે એ વ્યક્તિ સાથે આપણને હસવું ગમવા લાગે છે.જ્યારે આપણે ફક્ત કોઈ ચોક્કસ કારણ પર જ હસતા હોઈએ અને જ્યારે જેની સાથે હસવું ગમતું હોય એની ગેરહાજરીમાં આપણે મરક મરક હસતા થઈ જ‌ઈએ છીએ. કેટલી અદભૂત વાત છે કે પ્રેમમાં કોઈની હાજરી અને ગેરહાજરી બંને હસાવી શકે. (હાસ્ય રસ)

આપણા પ્રિય પાત્ર સાથે રહેતા, એમની સાથે દરેક નાની વાતો એમને કહેતા કહેતા એટલી અદભૂત અનુભૂતિ થાય છે કે બસ જિંદગી ને એ જ ક્ષણે રોકી લેવાની ઈચ્છા થાય છે.જેમ જેમ એકબીજાની નજીક આવવાનું થાય તેમ તેમ એ વ્યક્તિ પ્રત્યે આપણને હજુ વધારે લાગણી અને પ્રેમ થ‌ઈ આવે છે. આનાથી વધુ ઉત્કૃષ્ટ અદભૂત રસ બીજો ક્યો હોય શકે?

આપણી ગમતી વ્યક્તિ સાથે દિવસના અંતે વાત કરીને જે સુકુન અને શાંતિ મળે છે એના જેવો શાંત રસ બીજો કોઈ હોય જ ન શકે. પ્રેમ થયા બાદ ઘણીવાર આપણને ગમતીલા પાત્ર સાથે વિચિત્ર વ્યવહાર કરીને એને ડરાવી દ‌ઈએ છીએ અને પછી ખડખડાટ હસીને કહીએ છીએ કે ‌‌‌‌‌‌'યાર આ ફક્ત મજાક હતી'! એ રસનું નામ એટલે બિભત્સ રસ. આપણા જીવનમાંથી અમુક સંજોગોવશાત તેમનું ચાલ્યા જવું અને પછી એમના વગર એકલતા મહેસૂસ થવી અને એ એકલતા ખાળી ન શકવાથી અને વિરહની વેદના સહન ન થવાથી આપણી જાતને જે નુકસાન પહોંચાડીએ છીએ એ પણ એક રીતે બિભત્સ રસનું જ ઉદાહરણ છે.

આપણી વ્યક્તિથી દૂર થવા પાછળ ઋણાનુબંધ નિમિત્ત હોય છે અને બદનામ થાય છે પ્રેમ, સંબંધ, પાત્રો, સંજોગ અને પરિસ્થિતિ! કુદરતને જાણ હોય જ છે કે ક્યારે કોને મિલાવવા અને છૂટા પાડવા અને આપણને જે વ્યક્તિ ગમે છે, જેને આપણે એવું માનીએ છીએ કે આ જ મારા માટે સર્વસ્વ છે પણ આગળ જ‌ઈને જો એ આપણે લાયક નહિ હોય તો કુદરત આપણાં અને એના રસ્તા અલગ કરી દેશે. આપણી ગમતી વ્યક્તિના વિરહમાં રહેવુ એનાથી વધુ મોટી વીરતા બીજી તો ક‌ઈ હોય? એને જો બીજું કોઈ પાત્ર પસંદ હોય અને એની ખુશી માટે આપણે જવા દ‌ઈએ જ્યારે આપણને ખબર છે કે એની ગેરહાજરી આપણને દુઃખી કરશે અને તો પણ ખુશીથી ગૂડ બાય કહી શકીએ એ જ વીર રસ છે.

કરુણ રસનો મતલબ એ જ સમજી શકે જે લોકો Long Distance Relationshipમા રહ્યા હોય. Social Mediaએ એમને મનથી તો નજીક લાવી દિધા હોય પણ એમની વચ્ચેનું ભૌતિક અંતર યથાવત હોય. દરેકને જીવનના કોઈક પડાવ પર તો કોઈની હૂંફની, સાથની જરૂર પડતી હોય છે અને જેમણે આ Long Distance Relationship રાખી હોય એમને ખબર છે કે જ્યારે જરૂર હોય ત્યારે ભૌતિક અંતરના કારણે એકમેકની હૂંફથી વંચિત રહ્યા હોય ત્યારે એમના માટે આ ભૌતિક અંતર ખરેખર બહુ કરૂણ સાબિત થાય છે. જેને આપણે જોઈ રહ્યા છીએ કે આપણી વ્યક્તિને ખરા અર્થમાં આપણી જરૂર છે પણ તેને સાથ નથી આપી શકતા, તેની તકલીફ ઓછી નથી કરી શકતા ત્યારે એમના માટે આ અંતર કરૂણ રસ જેવો જ પુરવાર થતો હોય છે. Technology ભલે તેમને માનસિક રીતે ૫૦% રાહત આપી શકે પણ ઘણી વખત કોઈની ભૌતિક હાજરી બહુ અગત્યની બની જતી હોય છે.

અત્યારની આધુનિક જીવનશૈલીના કારણે આપણે દરેક જણ રૌદ્ર રસ અને ભયાનક રસ અનુભવતા હોય છે કારણ કે આપણે નાની અમથી વાત પર એટલો બધો બિનજરૂરી પ્રતિભાવ આપી દેતા હોઈએ છીએ કે ક્યારેક સંવાદ પણ ઉગ્ર કે ભયાનક વિવાદનું રૂપ લઈ લેતું હોય છે.ક્યારેક આપણા રજોગુણી સ્વભાવને કારણે રૌદ્ર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.

જેમ દરેક વસ્તુ માપમાં સારી લાગે એવી જ રીતે પ્રેમ, નફરત,વિરહ પણ જો માપમાં હોય તો જ સારું લાગે. કોઈને અતિશય કરેલો પ્રેમ, જેના માટે આપણે સર્વસ્વ દાવ પર લગાવી દીધું કે એમ કરીને પણ એ આપણી સાથે રહે, કોઈ વ્યક્તિ પર ભાવનાત્મક રીતે આધારિત થઈ જવું (Emotionally Dependent) અને જ્યારે એ વ્યક્તિ આપણે કલ્પના ન કરી હોય એ રીતે વિદાય લે છે ત્યારે એ ઘટના આપણા માટે રૌદ્ર રસ જેવી જ હોય છે. 

ON THIS NOTE:  નૃત્યના નવ રસ જેવી છે જિંદગી,
ચાલો થોડાં થોડાં ચાખી લ‌ઈએ દરેક રસને!

© મૈત્રી બારભૈયા




Comments

Popular posts from this blog

મહત્વ આત્મનિરીક્ષણનું!