બાળકરૂપી મન

મન પણ કોઈ બાળક જેવું છે, જેમ બાળકને કોઈ વસ્તુ જોઈતી હોય અને ત્યારે જીદે ચઢે અને પછી જ્યારે એ રડે ત્યારે એને જે જોઈતું હોય એ આપી દ‌ઈએ છીએ. ક્યારેક મનને પણ એ આપવું પડે છે જે એ માંગે છે. ક્યારેક બાળકની માંગણી અયોગ્ય હોય તો આપણે તેને પૂરી ન કરીને બાળકનું ધ્યાન બીજે વાળી દ‌ઈએ છીએ અને એક માતા-પિતા તરીકે બાળકનું ધ્યાન બીજે વાળી દેવામાં આપણે માહિર હોઈએ છીએ પણ શું જ્યારે આપણું મન અયોગ્ય વસ્તુઓની માંગણી કરે ત્યારે આપણે બીજે ક્યાંય ધ્યાન વાળી શકીએ છીએ? જ્યારે બાળકને કોઈક રમકડું જોઈતું હોય અને એ આપણને મોંઘુ લાગતું હોય તો આપણે બહુ સરળતાથી એવું કહી દ‌ઈએ છીએ કે 'બેટા તને આગળ બીજેથી અપાવીશું' અને પછી ત્યાં સુધીમાં બાળક એ વસ્તુ ને ભૂલી જાય છે.પણ શું, મનનાં કિસ્સામાં આવું શક્ય છે?જે મનની માંગણીઓ છે એનું પરિણામ આપણા માટે મોંઘુ પડી શકે એમ હોય તેમ છતાં આપણે એને ભૂલી શકીએ છીએ ખરા? કદાચ ના કે હા!પણ એટલું સરળતાથી તો એને નહિ જ ભૂલી શકાતું. આ મોંઘુ પડતું પરિણામ એટલે નકારાત્મકતા. ખબર છે કે આ નકારાત્મકતા આપણને તબાહ કરી દેશે તો પણ આપણે એને ભૂલી શકીએ છીએ?એને બીજે ક્યાંક લ‌ઈ જ‌ઈએ ત્યાં સુધીમાં આને ભૂલી જ‌ઈએ છીએ?

જેમ બાળકને હૂંફની જરૂર પડે, એને પણ ક્યારેક એવું થાય કે એને કોઈ બીરદાવે,એને આકર્ષણ મળે, બસ મનને પણ એવું જ બધું જોઈતું હોય છે પણ તે આ બધી બાબતોથી વંચિત રહી જાય છે કારણ કે અત્યારના સમયમાં લોકો બીરદાવવા કરતા ખામી શોધવામાં પારંગત થઈ ગયા છે. મનની આ હૂંફ એટલે કોઈનો સતત સથવારો.મનને જોઈતું આકર્ષણ એટલે જ્યારે એને જરૂર હોય ત્યારે કોઈની સાથે અવિરત થતી વાતો!

જ્યારે બાળકને પ્રેમ કે આકર્ષણ ન મળે ત્યારે એ રડવા લાગશે કાં તો પછી એ ધમપછાડા કરવા લાગશે. મનને રડવાની છૂટ છે પણ અફસોસની વાત એ છે કે કોઈ પણ આ રૂદનને જાણી નથી શકતું પણ જો ક્યારેક તમે તમારા મનના રૂદનને જાણી ગયા હો તો તમે જાતે જ એને સહેલાવી લેજો. બાકી મન તો ગુસ્સા દ્વારા ધમપછાડા કરે છે તો પણ કોઈ એના કારણમાં જતું નથી અને ગુસ્સો કરતી વ્યક્તિ પર કટાક્ષ થઈ જાય છે.

© મૈત્રી બારભૈયા

Comments

Popular posts from this blog

મહત્વ આત્મનિરીક્ષણનું!