જિંદગીના સ્તંભો
આસાન જિંદગી જીવવાના રસ્તાઓ ઘણા સરળ છે પણ તેને અમલ કરીને ચાલવું અઘરું છે અને એટલે જ ક્યારેક જીવન જીવવું મુશ્કેલ લાગે છે. જિંદગી પસાર કરવાના અને સુવ્યવસ્થિત જીવન માણવાના ત્રણ મજબુત પીલ્લર છે:
૧) સમાયોજન (Adjustment)
૨) ત્યાગ (Sacrifice)
૩) બાંધછોડ (Compromise)
સુરમ્ય જિંદગી માણવા માટે ઉપરના ત્રણ સ્તંભ ચણતાં અને તેને કેવી રીતે ટકાવી રાખવા એ શીખવું જરૂરી છે. જિંદગી આખરે શું છે? આપણે લોકો સાથે કેવી રીતે અને કેટલું સારી રીતે સમાયોજન(Adjustment) કરી શકીએ છીએ એ ખેલ! જિંદગીમાં ઘણી ખરી મુશ્કેલીઓ એટલા માટે આવતી હોય છે કારણ કે આપણે લોકો સાથે સમાયોજન સાધી નથી શકતા. જો આ જ ખેલ આપણને રમતા આવડી જાય તો જિંદગી નામની આખી બાજી જીતી શકાય. લોકોને સમજીને,તેમની પરિસ્થિતિ ને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો દરેક વ્યક્તિ સાથે આપણે ગોઠવાઈ શકીએ છીએ.
હવે બીજી વાત ત્યાગની (Sacrifice) આવે છે. દરેક સંબંધમાં એવું થતું હોય છે કે બધા પોતાના મંતવ્યો પકડી રાખે છે અને પોતાની વાતનો કે મંતવ્યનો ત્યાગ કરવા તૈયાર નથી હોતા અને આવું માનવ સહજ સ્વભાવ ને કારણે થાય છે.આપણને આપણો અહમ આપણા મંતવ્યનો ત્યાગ કરતા રોકે છે અને એટલે જ કોઈ જગ્યાએ આપણે કશું ત્યાગ નથી કરી શકતા.સંબંધ જો સજાવવા હોય તો આપણી અંદર ત્યાગની ભાવના ઉત્પન્ન કરવી જ રહી.જો કોઈ એક જણ નમવા તૈયાર ન હોય તો આપણે સમજીને આપણી વાત નમતી મૂકી દેવી એમાં જ ભલાઈ છે. બાકી બંને તરફથી એકમેકનાં મંતવ્ય જકડી રાખી ને સંબંધમાં ફક્ત દરાર જ ઉભી થતી હોય છે, બીજું કશું જ નહિ. એકબીજાના અહમની અથડામણને લીધે એક મીઠો અને સારો સંબંધ ઝઘડામાં પરિવર્તિત થતો હોય છે અને અંતે તેનું પરિણામ સંબંધ તૂટવા સિવાય બીજું કંઈ જ આવતું નથી.
કોઈ પણ સંબંધમાં બાંધછોડ (Compromise) બંને પક્ષે થવા જરૂરી છે. કોઈ એક જ વ્યક્તિ બાંધછોડ ન કરી શકે.ક્યારેક આપણે બાંધછોડ કરી દઈએ તો ક્યારેક સામેની વ્યક્તિ કરી દે બાંધછોડ. આપણો બાંધછોડ કરવાનો સ્વભાવ સંબંધ ને ટકાવી રાખી શકે છે.
જીવનના આ ત્રણ સ્તંભ ખૂબ જ મજબૂત હોવા જરૂરી છે, એમાંથી જો કોઈ એક સ્તંભ ગેરહાજર હશે તો સંબંધ નામની ઈમારત અચૂકપણે ડગવાની છે.
© મૈત્રી બારભૈયા
Comments
Post a Comment