આણું અને દહેજ!
દરેક દિકરીઓને એજ સલાહ છે કે માતા-પિતા પાસે આણામાં કોઈ વસ્તુની માંગણી નહીં પણ આણામાં પુસ્તકો મળે એવો આગ્રહ રાખજો.પુસ્તક તમને દરેક હંફાવનારી સ્થિતિમાં તમારી તાકાત બની તમારી પડખે ઉભા રહેશે પણ આણામાં જો કોઈ ક્ષુલ્લક વસ્તુ હશે તો એ કદાચ વિકટ પરિસ્થિતિમાં કામ નહીં લાગે.
પિતાને પણ એજ વિનંતી છે મારી કે દેવું કરીને દહેજ આપવું એના કરતાં દેવું કરી તમે ભણાવી હશે તો એ ચોક્કસ દિકરીમા ઉગી નીકળશે અને જો તમારી પરિસ્થિતિ ન હોય દહેજ આપવાની તો ન આપતા અને એ સંજોગમાં દિકરીના લગ્ન એવા ઘરે કરાવજો કે જે તમારી દિકરીને સન્માન આપી શકે.સમાજને સારું લગાડવા દેવું કરી દહેજ ન આપતા કારણ કે સમાજ લગ્ન ટાણે એક-બે દિવસ જોશે કે બાપે દિકરીને શું આપ્યું અને દિકરી શું લઈને આવી તેના ઘરેથી.સમાજ તમારું દેવું ચૂકતે કરવા નહિ આવે અને સમાજને શું કામ આટલી ઉત્સુકતા હોય છે તે જાણવાની કે દિકરી શું લાવી? જેની સાથે જિંદગીના ૨૪-૨૫ વર્ષ રહી છે,જે ઘરમાં તેને બરાબર ફાવી ગયું હોય,એ ઘર ત્યજીને બીજે ઘેર નવેસરથી શરૂઆત કરવા આવી છે એટલું સમાજ માટે પૂરતું નથી?
આણામાં એજ વસ્તુ હોવી જોઈએ જે વસ્તુથી દિકરીને બહું લગાવ હોય બાકી જર-ઝવેરાત આજે હશે તો કાલે નહીં પણ હોય.દિકરી જો બેગ ભરીને આણું કે દહેજ લાવે ત્યારે સમાજ એવું માનતું હોય કે દિકરી બે ઘરને તારે છે તો એ સમાજને એ વાતનો વિરોધ ન જ હોવો જોઈએ જો કોઈ દિકરી બેગ ભરીને પુસ્તકો લાવે તો કારણ કે તેનાથી તે આખા સમાજને તારી શકે છે.
પુસ્તકો એ સમાજનાં તારણહાર છે.સમાજની માનસિકતા બદલવાની તાકાત પુસ્તકમાં છે.જો કોઈ દિકરી પાસે આણામાં પુસ્તકો છે તો એનો અર્થ જ એ છે કે તે વાંચનની શોખીન છે અને એના વાંચન દ્વારા જો કોઈ એક જણની માનસિકતા બદલાતી હોય ને તો એનું વાંચન સાર્થક છે કારણ કે કોઈની અંદર બદલાવ લાવવો એ બહુ સમય માંગી લે એવી પ્રક્રિયા છે.
On This Note: બદલવા હો ઈચ્છુક ખુદની માનસિકતા ને,
તો કરો શરૂઆત વાંચનની!
©મૈત્રી બારભૈયા
Comments
Post a Comment