જૂની અને નવી પેઢીની વિચારધારા!
'જૂની પેઢી માટે નવી પેઢી બહુ સ્વચ્છંદી છે'!
નવી પેઢીને પોતાની જિંદગી વિશે ઘણું બધું સ્પષ્ટપણે ખબર હોય છે, તે જાણતા હોય છે.તેમને ગમા-અણગમા, એમના ભવિષ્ય વિશે ઘણી જાણ હોય છે.તેઓ સવાલો પણ ખુદ ઉભા કરશે અને તેના જવાબો પણ જાતે જ શોધશે.એ લોકો સ્વચ્છંદી હોવા છતાં તેમને તેમની મર્યાદા ખબર છે,તેમની લક્ષ્મણ રેખા વિશે ખબર છે જે એ ક્યારેય નહીં ઓળંગે એને.જૂની પેઢીને નવી પેઢી પાસેથી અનેકો ફરિયાદ રહી છે.તેઓ માને છે કે અત્યારની પેઢીને કોઈ સંઘર્ષ નથી, તેમનું જીવન ખૂબ સરળ છે પણ ફરક એટલો જ છે કે તેમના સંઘર્ષો શારિરીક હતા જ્યારે અમારા સંઘર્ષ માનસિક રીતે છે અને માનસિક સંઘર્ષ શારિરીક સંઘર્ષ કરતા વધુ પીડાદાયી હોય છે અને અમે; નવી પેઢી માનસિક સંઘર્ષો સામે કેવી રીતે ઝઝૂમવું તે બખૂબી જાણીએ છીએ.અમને જરૂર પડે ત્યારે મનોચિકિત્સકની સલાહ લેવામાં કોઈ નાનપ નથી લાગતી.
નવી પેઢી પરિસ્થિતિને જલ્દી સ્વીકારી લે છે અને તેની સામે લડી પણ લે છે.ભલે અત્યારની પેઢી બહુ એકલી હોય પણ અમને મન સાથે સંવાદ સાધતા આવડે છે.અમને કોઈની સલાહ લેવામાં સંકોચ એટલા માટે થાય છે કારણ કે અમારે બધું ખુદના અનુભવ દ્વારા શીખવું હોય છે.અમારા માટે જે ખોટું છે એ તે જ રહેવાનું છે અને એથી જ અમે ઘણી વખત બળવો કરી બેસીએ છીએ પણ અમે અમારા માટે લડવાનું પણ જાણીએ છીએ.
અત્યારની પેઢી ને માતા-પિતા સાથે શાબ્દિક ઘર્ષણ એટલા માટે થાય છે કારણ કે તેઓ અમારા વિચારો સાથે તાલ મિલાવી નથી શકતા.જે વાત અમે સહજતાથી સ્વીકારી શકીએ છીએ એટલી સહજતાથી જૂની પેઢી તે વાતને સ્વીકારી નથી શકતા.અમને નવી પેઢી ને ભલે અમારી પોતાની સ્વતંત્રતા જોઈતી હોય પણ અમે તેનો ફાયદો ઉઠાવવાનું નહિ પણ તેનો સદુપયોગ કરતા જાણીએ છીએ.
બે પેઢી વચ્ચેના મતભેદ કાયમ રહેવાના છે કારણ કે સમય સાથે માણસની માનસિકતા પણ બદલાતી હોય છે અને જે તેને બદલી શકે છે તે નવી પેઢી સાથે પણ અનુકૂળતા સાધી શકે છે.અમને હંમેશા સ્વમાનભેર જ જીવવું ગમે છે અને જો અમારો અહં ઘવાય અને ઉશ્કેરાઈ જઈએ તો એ પણ થોડી ક્ષણો માટે.બાકી એવું નથી કે નવી પેઢી અહંકારી છે અને તે છતાં જો કોઈને એવું લાગતું હોય તો કદાચ તે અમારા અહં/રુતબાથી વાકેફ નથી.
અમે તોછડા એટલા માટે છીએ જૂની પેઢીની નજરમાં કારણ કે અમે અમારી વાત મુક્તપણે રજૂ કરી શકીએ છીએ.અમે જૂની પેઢી માટે ઉડાઉ, જિદ્દી એટલા માટે હશું કેમ કે તેઓને કદાચ અમારી જેમ વર્તવા નહીં મળ્યું હોય.અમે ઉડાઉ નથી બસ ફક્ત અમારી બચતની પરિભાષા થોડી અલગ છે બાકી બચત તો અમે પણ કરી જાણીએ છીએ.
જૂની પેઢી માટે અમે આવા એટલા માટે છીએ કેમ કે અમે તેમની માન્યતા મુજબ નથી ચાલી શકતા કારણ કે ક્યારેક અમને તેમના વિચારો, તેમની માનસિકતા, માન્યતા તાર્કિક નથી જણાતા જ્યારે અમારી પાસે પોતાના વિચારો માટે તાર્કિક કારણો હોય છે.
અમે ભગવાનમાં ઓછું અને વિજ્ઞાનમાં વધારે માનનાર પેઢી!આવી દરેક વાતનું પુનરાવર્તન થશે જ્યારે અમારા સંતાન થશે પણ ત્યારે સીન થોડો અલગ હોય એવું બને.ત્યારે અમે ઘણું બધું શીખી ગયા હશું બાળક પાસે કામ લેતા.નવી પેઢી એટલે એમને જે ગમે તે જ કામ કરનાર.અમને બીજાની ખુશી કરતા પોતાની ખુશીની વધારે ચિંતા છે અને અમે જો અમારી ખુશી માટે કોઈ કામ કે પ્રવૃત્તિ કરીએ છીએ તો આમ કરવાથી અમે સ્વાર્થી પણ નથી બની જતા.બસ અમને ખાલી તમારી જેમ પોતાની ખુશી ગિરવે મૂકીને બીજાને ખુશ કરતા નથી આવડતું.
©મૈત્રી બારભૈયા
Comments
Post a Comment