નવું વર્ષ, નવા સંકલ્પો!

નવા વર્ષનું આગમન થવામાં છે ત્યારે એક વાત યાદ આવે છે અને તે છે કે નવા વર્ષના, નવા સંકલ્પો વિશે.આપણે જ્યારે નાના હતા ત્યારે માતા-પિતા એવું શીખવાડતા કે નવા વર્ષની શરૂઆત જે કામથી કરો તે જ કામ આખું વર્ષ કરવું પડે માટે તે સંકલ્પ વિશે કહેતા.સંકલ્પ લેવાનું કારણ જ એ છે કે નાનપણમાં વિવિધ કામોના સંકલ્પ લેવડાવવાથી બાળકમાં તે કામને સમયસર કરવાની ટેવ પડી જાય છે અને અંતે તેના પર કોઈ બોજો રહેતો નથી.

નાનપણમાં આ વાતનું અમલીકરણ વ્યવસ્થિત થતું તો મોટા થયા પછી કેમ કામનો બોજો રહેતો હશે?જે વ્યક્તિને નાનપણમાં જ સમયસર બધા કાર્યો પૂર્ણ કરવાની ટેવ પડી ગઈ હોય તો તેની આ ટેવ મોટા થયા પછી તેના લોહીમાં વર્ણાઈ ગ‌ઈ હોય અને તેના લોહીમાં વર્ણાઈ ગયા બાદ પણ તેને કેમ કામનો બોજો વર્તાતો હશે?

હવે મોટા થયા પછી પણ જો આપણે કોઈ સુસંકલ્પ લ‌ઈએ તો એ હવે પૂર્ણ થાય છે ખરી? આપણે દર વર્ષે કેટલાંય નવા સંકલ્પો લેતા હોઈએ છીએ પણ તેમાંથી સંપન્ન કેટલા થાય છે? હવે તો એવું થાય છે જૂના વર્ષમાં લીધેલા સંકલ્પ પૂરા નથી થતાં ત્યાં નવા વર્ષે નવા સંકલ્પો લેવાનો સમય આવી જાય છે.

હવે જો કોઈ સંકલ્પ લેવો જ હોય તો એ સંકલ્પ લેજો કે કોઈની હતાશા વાળી ક્ષણમાં આપણે સહભાગી થઈ શકીએ, તેની હતાશા દૂર કરી શકીએ.કોઈની ઉદાસીનતા ને પ્રસન્નતામાં તબદીલ કરીએ.

બીજા માટે લીધેલ સંકલ્પ સંપન્ન થાય તો એક આકસ્મિક બાબત હોય શકે પણ ખુદના માટે લીધેલ સંકલ્પ સંપન્ન થવા જરૂરી છે કારણ કે જો કોઈ પ્રથમ પ્રાથમિકતા હોય તો એ આપણે પોતે જ છીએ.જો આપણું અસ્તિત્વ હશે તો ખુદના માટે અને બીજા માટે જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ.

આપણે બધા બે ભાગમાં જીવન વ્યતીત કરીએ છીએ: ૧) સામાન્ય વ્યક્તિ અને ૨) વ્યવસાયિક વ્યક્તિ તરીકે. આપણે જો સામાન્ય જણ રીતે જીવીએ છીએ તો આ વર્ષે એ જ સંકલ્પ લ‌ઈએ કે આપણી અંદર પ્રેમની અંકૂર ફૂટે, નફરત, ઈર્ષા,દ્વેષનો નાશ થાય.કોઈ માટે આપણને સહાનુભૂતિ, સંવેદના થાય.

વ્યવસાયિક વ્યક્તિ તરીકે આપણે એ જ સંકલ્પ લેવાનો છે કે જો આપણે ડૉક્ટર છીએ તો કોઈની જિંદગી સાથે રમત ન રમીએ, જો શિક્ષક છીએ તો આપણા જ્ઞાનથી બીજાનાં જીવનમાં પ્રકાશ પાથરીએ,
જો આપણે વકીલ હોઈએ તો નૈતિકતા જાળવીએ અને આ નૈતિકતા એક એવો ગુણ છે કે કોઈ પણ ક્ષેત્રમાં, વ્યવસાયમાં નૈતિક રહેવાથી લાંબે ગાળે તો ફાયદો થાય જ છે. આપણે જો ધંધાદારી છીએ તો એ જ સંકલ્પ લેવાનો કે ક્યારેય કોઈનું અહિત ન થાય આપણા ફાયદા માટે અને આપણે જો વિદ્યાર્થી છીએ તો એ જ સંકલ્પ લેવાનો છે કે એક વિદ્યાર્થી તરીકેની આપણી ફરજ પૂરી કરી શકીએ.વિદ્યાર્થી તરીકે આપણી એ જ ફરજ છે કે ભણતર-ગણતર પ્રાપ્ત કરી પગભર થ‌ઈએ.
 
આ નવા વર્ષે હવે કાળાબજારી કરનાર ને એ સંકલ્પ લેવો જરૂરી જણાય છે કે તેમના કાળાનાણાં થી કરવેરો ભરે જે રકમ આવે તે જેથી એ પૈસાથી સરકારને ફાયદો થાય.
નેતાઓને એ સંકલ્પ લેવો જરૂરી જણાય છે કે તેમની દરેક ફરજ નૈતિકતાથી બજાવે, તેમના દ્વારા ગરીબ માટેની યોજનાનું સત્તાવાર અમલીકરણ થાય.

ખુદ માટે અને બીજાને માટે ઉપયોગી થાય એવા સંકલ્પો લ‌ઈએ અને આ નવા વર્ષને ઉજવીએ!
©મૈત્રી બારભૈયા


Comments

Popular posts from this blog

સફળતાની દુન્યવી પરિભાષા

વર્ચસ્વની લડાઈ.

મહત્વ આત્મનિરીક્ષણનું!